Behind my non-co-operation there is always the keenest desire to co-operate on the slightest pretext even with the worst of opponents.

M. K. Gandhi
Young India, June 4, 1925, p.193

મજબૂતીનું નામ મહાત્મા ગાંધી
 
—પુરુષોત્તમ અગ્રવાલ
 
 
પુરુષોત્તમ અગ્રવાલનું નામ શિક્ષણવિદ અને ઇતિહાસકાર તરીકે જાણીતું છે. હિંદી ન્યૂઝ ચૅનલોના અર્થપૂર્ણ સંવાદોમાં તેમની ઉપસ્થિતિ હોય છે. ઉપરાંત અખબારોમાં રાજકીય-સામાજિક ક્ષેત્રના સૂક્ષ્મ મુદ્દાઓને સપાટી પર લાવી આપીને લેખન કરવામાં પણ તેઓ નામના ધરાવે છે. કબીર પર તેમનો વિશેષ અભ્યાસ છે. લોકશાહી મૂલ્યોના જતન અર્થે તેઓ અવારનવાર સંવાદ કરતા રહ્યા છે. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના ‘સેન્ટર ઑફ ઇન્ડિયન લૅંગ્વેજ’ના તેઓ ચૅરમૅન રહી ચૂક્યા છે. કૅમ્બ્રિજ યુનિવર્સિટી અને મૅક્સિકો યુનિવર્સિટીમાં વિઝિટિંગ ફૅકલ્ટીઝ તરીકે તેઓ સેવા આપી છે. પુરુષોત્તમ અગ્રવાલનું શિક્ષણ સંદર્ભે સંશોધનકાર્ય વ્યાપક છે. તેઓ પોતાની ઓળખ ડાબેરી તરીકે આપે છે. ગાંધીવિચારના પણ તેઓ અભ્યાસી રહ્યા છે. ૨૦૦૫માં તેમણે ‘ગાંધી પ્રતિષ્ઠાન કેન્દ્ર’માં નિમ્નલિખિત વિષય પર વક્તવ્ય આપ્યું હતું. તે વક્તવ્યમાં ગાંધીજીની અહિંસા અંગેની ચર્ચા વર્તમાન સમય સંદર્ભે કરી હતી. આ વક્તવ્યનો આરંભનો સંપાદિત હિસ્સો અહીં પ્રસ્તુત કરીએ છીએ. …
 
 
‘મજબૂરીનું નામ મહાત્મા ગાંધી’ એવું લાંબા સમયથી હું માનતો રહ્યો. એવું કહેતો પણ. પણ જ્યારે મેં શાંતિથી વિચાર્યું ત્યારે ખ્યાલ આવ્યો કે ખરેખર તો મજબૂરી હિંસા છે. હિંસા દૃઢતા અને શક્તિને પ્રગટ નથી કરતી, તે નબળાઈને પ્રગટ કરે છે. આજ સુધી હું કોઈ એવી વ્યક્તિ, વિચાર કે શાસકના સંપર્કમાં આવ્યો નથી જેઓએ હિંસા કરીને એમ ન કહ્યું હોય કે ‘અમે તો હિંસા કરવા મજબૂર હતા’. રાજ્યસત્તા હિંસા કરે છે કારણ કે તેને વ્યવસ્થા બનાવી રાખવાની મજબૂરી છે. ક્રાંતિકારી હિંસા કરે છે કારણ કે રાજ્યસત્તાએ તેમને મજબૂર કરી દીધા છે. અધ્યાપક હિંસા કરે છે કારણ કે તે વિના અનુશાસન શીખવી નથી શકતા. બાળકો હિંસા કરે છે કારણ કે હિંસા વિના સમાજ કશું સાંભળવા તૈયાર નથી. આ અવળી વહેતી ગંગાને જાણે આપણે આત્મસાત્ કરીને જીવીએ છીએ. માત્ર આપણે નહીં, પૂરી દુનિયા આત્મસાત્ કરીને બેઠી છે કે અહિંસા મજબૂરીનું પ્રમાણ છે અને હિંસા શક્તિનું. આ વાત બિલકુલ વિપરીત છે. ખરેખર તો સ્વયં હિંસા કરનારાઓ પર તમે ધ્યાન આપશો તો, તેઓ ભલે સરકારી પદે રહીને હિંસા આચરતા હોય, હિંસાને યોગ્ય ઠેરવતા હોય, રાજ્યસત્તાના રૂપમાં હિંસા કરતા હોય, તો તમે તે જોઈ શકશો કે દરેક હિંસક વ્યક્તિ અને વિચાર પોતાને પરિસ્થિતિથી વશ રજૂ કરીને પોતાની નૈતિક કટોકટીનું સમાધાન શોધી લે છે.
 
મને આ અનુભૂતિ ખૂબ મોડે થઈ. જોકે આ અનુભૂતિ થઈ તે માટે અનેક ઘટના અને વ્યક્તિઓનું યોગદાન છે. સૌથી અગત્યનું યોગદાન છે મારા મિત્રનું. આ અંગેનો બોધ મને કરાવ્યો મારા મિત્ર દિલીપ સિમિયને. આ અલ્પતા સાથે હવે હું મારી સફર રજૂ કરું છું. ‘મજબૂરીનું નામ મહાત્મા ગાંધી’થી ‘મજબૂતીનું નામ મહાત્મા ગાંધી’ સુધીની સફર. આ સફર ગાંધીજીની નથી. સફર મારી છે. ડાબેરી હોવા છતાં મને આ વિષય અંગે વક્તવ્ય આપવા આમંત્રણ મળ્યું. આખરે આવી સફરનો અધિકાર ડાબેરીઓને પણ છે જ ને!
 
૧૯૮૯ના વર્ષમાં હું, દિલીપ અને અમારા એક મિત્ર જુગનૂ રામાસ્વામી પંજાબ ગયા હતા. કાર દ્વારા અમે ત્યાં જવા નીકળ્યા. પંજાબમાં મને જે અનુભવ થયા તે હું જીવનભર ભુલાવી નહીં શકું. એક અર્થમાં બંને અનુભવ આધ્યાત્મિક હતા. પહેલી વાર મેં અનુભવ્યું કે મસ્તિષ્ક સુન્ન થઈ જવું એટલે શું. અમે જતા હતા ત્યારે માર્ગમાં અમારી સામે એકાએક કાર ઊભી રહી. કારમાંથી ત્રણ-ચાર યુવકો હાથમાં બંદૂક લઈને નીચે ઊતર્યા. મને લાગ્યું કે હવે અમે શહીદ થઈ જઈશું. હંમેશાં બીજાની શહીદી ખૂબ રોમાંચકારી હોય છે. પોતાની શહીદીની વાત આવે ત્યારે તો જાણે કંપારી છૂટી જાય. પંજાબમાં પ્રથમ વાર મને આવો અનુભવ થયો.
 
આવો બીજો અનુભવ આ સફર દરમિયાન અમૃતસરમાં થયો. અમે શીખોના સાંસ્કૃતિક અને શૈક્ષણિક કેન્દ્ર દમદમી ટકસાલમાં ગયા હતા. દમદમી ટકસાલ ખાલિસ્તાની આંદોલનનું નૈતિક-બૌદ્ધિક કેન્દ્ર હતું. અમે ત્યાં પહોંચ્યા. ગાંધીજી પાસેથી નાનીઅમથી પ્રેરણા મેળવીને અમે આ પ્રવાસ ખેડ્યો હતો. અમે એ સમજવા માગતા હતા કે લોકો કેમ મારવા ને મરવા માટે અધીરા થઈ જાય છે. એ માટે અમે ત્યાં વિવિધ લોકોને મળ્યા; તેમાં કમ્યુનિસ્ટો હતા, કૉંગ્રેસીઓ હતા. ભાજપીઓ અને ખાલિસ્તાનીઓને પણ મળ્યા. ખાલિસ્તાનીઓને મળવા જ અમે દમદમી ટકસાલ ગયા હતા. ત્યાં ગયા ત્યારે તેઓએ અમને ખાલિસ્તાન આંદોલન વિશે તર્ક-દલીલથી વિસ્તારથી સમજણ આપી. અમે તો ડરેલા હતા. ગભરાટ અમારામાં વ્યાપ્યો હતો. પરંતુ દિલીપ હંમેશની જેમ ચર્ચા કરવા ઉત્સુક હતો. તેમની વચ્ચે તર્ક-દલીલ થઈ રહ્યાં હતાં. આ ચર્ચા દરમિયાન બેઠકમાંથી સૌથી મુખર વ્યક્તિ ખાલિસ્તાન વિશે પોતાની વાત રજૂ કરી રહ્યો હતો. તે ખાલિસ્તાની આંદોલનની સફળતા અર્થે હિંસા અનિવાર્ય છે તેવું સમજાવતો હતો. પોતાની વાત સમજાવતી વખતે કશીયે પૂર્વભૂમિકા વિના તે એકાએક એવું બોલ્યો કે, “આજે ગાંધી હોત તો આ વિવાદનો ઉકેલ લાવી શકાત.” પહેલાં તો મને આ વાત ન સમજાઈ. મેં પૂછ્યું કે “તમારો કહેવાનો અર્થ શું છે? ગાંધીજીના હોવાથી વિવાદ કેવી રીતે ઉકેલાઈ જાત?” તેણે કહ્યું : “તે હોત તો આતંકવાદ કે ગોળીબારની પરવા કર્યા વિના અમૃતસર આવીને સીધા જ ઉપવાસ પર બેસી જાત.”
 
મારા માટે આ આધ્યાત્મિક અનુભવ હતો. એવું કહેતો નથી કે આમ કહેનાર વ્યક્તિ હિંસાનો વિરોધી છે. તે ગાંધીમાર્ગી કે ગાંધીવાદી થઈ ગયો તેમ પણ હું નથી કહેતો. પરંતુ ગાંધીનું સામાજિક અને રાજકીય જીવન તેમના કટ્ટર વિરોધીઓના મનમાં પણ સંવાદ પ્રત્યે આસ્થા જન્માવે છે.
 
જે ભયની ચર્ચા મેં શરૂઆતમાં કરી, તે ભય સૌથી પહેલાં તો સંવાદની શક્યતાનો અંત લાવી દે છે. ભય દ્વારા તે અનૌપચારિક કે અનાયાસે થતું કાર્ય નથી. એ વાત ધ્યાને લેવી જોઈએ કે ભય પ્રયત્નપૂર્વક જન્માવવામાં આવે છે. આ સંયોગ નથી. ગત વીસ વર્ષથી આપણે વધુ ભયગ્રસ્ત સમયમાં જીવી રહ્યા છીએ. થોડા દિવસો પૂર્વે લખાયેલા એક જાણીતા પુસ્તકને યાદ કરો. માર્ક જુરગેસમેયરનું આ પુસ્તક છે. આ એવો સમય છે જ્યાં પરમાત્માથી માનવી સુધી આતંકનું શાસન છે. ટૅરર ઇન ધ માઇન્ડ ઑફ ગૉડ. પુસ્તકમાં પણ એવો સમય છે જેમાં પરમાત્મા સુધ્ધા આતંકિત છે. આ સમયમાં પણ હિંસા અને અહિંસાનો મજબૂરી અને મજબૂતી સાથે ખરેખર શું સંબંધ છે એ વાત જાણવી-સમજવી જરૂરી છે.
 
દમદમી ટકસાલના અનુભવ વિશે મેં લખ્યું. તેનાથી એવું લાગી શકે કે ગાંધીજીની મોટાઈ માત્ર તેમના બલિદાનમાં છે. પણ એવું નથી. ગાંધીજીની મોટાઈ બેશક તેમના બલિદાનમાં, તેમના સાહસમાં છે. પરંતુ તેમની મોટાઈ તેનાથી પણ આગળની બાબત છે. ગાંધીજીની મોટાઈ તેમના વિચારોમાં, અંતર્દષ્ટિમાં અને તેમના વિવેકમાં છે. આપણે એ વાત સમજવી જોઈએ કે મજબૂત શબ્દ ‘જબત’થી બન્યો છે — ધીરજ, સહનશીલતા સાથે ઊભા રહેવાની વાત આક્રમક વ્યક્તિના સંદર્ભમાં કહેવાતી નથી. મજબૂત વ્યક્તિ તે છે જેનામાં ધીરજ છે, વિવેક છે. આ સંદર્ભમાં ગાંધીજીની મજબૂતી પ્રેરણાદાયી અને શિક્ષિત કરનારી છે.
 
વર્તમાન સમય હિંસાનું સામાન્યીકરણ અને વિકેન્દ્રીકરણનો છે. હાલમાં સત્તાનું, ધનનું કે ઉદ્યોગોનું વિકેન્દ્રીકરણ ભલે ન થયું હોય; પરંતુ તમારા આસપાસના સમાજને જોશો તો ક્રૂરતા અને હિંસાનું વિકેન્દ્રીકરણ થયું છે. હવે ક્રૂરતા અને હિંસા પર માત્ર રાજ્યસત્તાનો એકાધિકાર નથી. આજના વિદ્રોહી બધું ખદેડી નથી દેતા, બલકે તેઓ પીડા પણ આપે છે. તેઓ દુશ્મનોનો સફાયો જ નથી કરતા, પરંતુ શાળાનાં બાળકોની બસને પણ બૉમ્બથી ઉડાવી દે છે. તેઓ બાતમી આપનારના હાથ-પગ કાપીને પીડાદાયક સ્થિતિમાં તરછોડી દે છે. હિંસા અને ક્રૂરતાના વિકેન્દ્રીકરણ વિશે માર્ટિન લ્યૂથર કિંગની એક જાણીતી ચેતવણી છે. માર્ટિન લ્યૂથર કિંગ તેમાં કહે છે કે આપણે જ્યાં આવી પહોંચ્યા છીએ ત્યાંથી દુનિયા માટે પસંદગીનો પ્રશ્ન નૉનવાયલન્સ કે વાયલન્સ નથી. હિંસા કે અહિંસામાંથી પસંદગીનો વિકલ્પ આપણી પાસે નથી. હવે અહિંસા અને સર્વનાશમાંથી કોઈ એક બાબતની પસંદગી કરવાની છે.
 
ગાંધીજી વારંવાર એવું કહેતા કે સત્ય અને અહિંસા અંગે હું કોઈ નવી વાત નથી કહેતો. સત્ય અને અહિંસા શાશ્વત છે. ટ્રૂથ ઍન્ડ નૉનવાયલન્સ આર ઍઝ ઓલ્ડ ઍઝ હિલ્સ. અહીં સત્ય વિશે હું ઝાઝું કહેવા માગતો નથી. પરંતુ અહિંસા અંગે દૃઢતાપૂર્વક કહી શકું. અહિંસા અંગે ગાંધીજીનું એમ કહેવું કે હું કશું નવું કહેવા માગતો નથી, તે તેમની વિનમ્રતા છે. તેઓ જે અર્થમાં અહિંસાની વાત કરે છે તે માનવીય વિચારના ઇતિહાસમાં અભૂતપૂર્વ અને મૌલિક છે. તેમની અહિંસા માત્ર પરંપરાથી ચાલી આવતી ધાર્મિક અહિંસા નથી. વધુ સ્પષ્ટતાથી વાત કરીએ તો આપણે જોઈએ છીએ કે સંસારના તમામ ધર્મમાં અહિંસા એક આદર્શ છે. તે આદર્શ સુધી પહોંચવાનો સૌએ પ્રયાસ કરવો જોઈએ અને તે ધ્યેય સુધી ન પહોંચાય તો હંમેશાં તમારી પાસે જસ્ટિફિકેશન તૈયાર છે. ગાંધીજી માટે અહિંસા આદર્શ નથી. તેમના માટે અહિંસા રોજબરોજના જાહેર અને વ્યક્તિગત જીવનની કસોટી છે. અહિંસા તેમના માટે પાયાનું જીવનમૂલ્ય છે. એ રીતે તેમની અહિંસા ધાર્મિક અહિંસાથી ઘણી આગળ છે.
 
સંસારના તમામ ધર્મોમાં પવિત્ર અને અપવિત્ર પ્રકારની હિંસા જોઈ શકાય છે. वैदिकी हिंसा हिंसा न भवति એ વાત કોઈ ને કોઈ રૂપમાં દરેક ધર્મપરંપરામાં છે. થોડા દિવસ પૂર્વે મેં એક ફિલ્મ જોઈ. બલ્ગેરિયાના ફિલ્મકાર બોરિસ્વાલ સરાયિવેવની. ફિલ્મનું નામ છે : ‘બૉરિસ : ધ લાસ્ટ પૅગન’. આઠમી-નવમી સદીમાં બલ્ગેરિયામાં એક રાજા થઈ ગયો. રાજાએ ધર્મપરિવર્તન કરી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો. તે પછી બલ્ગેરિયામાં ખ્રિસ્તી શાસનનો આરંભ થયો. હવે રાજા બૉરિસ ખ્રિસ્તી થયો તો પ્રજા પર ખ્રિસ્તી ધર્મ સ્વીકારવા અંગે દબાણ થવા માંડ્યું. ફિલ્મમાં એક દૃશ્ય છે જેમાં લોકોને યાતના આપવામાં આવી રહી છે, ત્યારે બૉરિસનો તેના સેનાપતિ સાથે સંવાદ છે. બૉરિસ તે સંવાદમાં કહે છે : “તમે તો કહ્યું હતું કે તમામ લોકો ઈશુના શરણમાં આવી ચૂક્યા છે અને તેમને મુક્ત કરી દેવામાં આવ્યા છે.” સેનાપતિએ જવાબ વાળ્યો કે : “હા, મેં કહ્યું હતું કે તમામ ઈશુના શરણમાં આવી ગયા છે, તે તો મેં મનુષ્યો વિશે કહ્યું હતું. આ લોકો તો શૈતાનનાં બાળકો છે.” જે મનુષ્યો છે, ઑલ ધ પીપલ હૅવ કન્વર્ટેડ. જેમના પર દાનવ સવાર હતો તેઓ વળી પોતાને શું કન્વર્ટ કરશે. તેથી તેમની સાથે થઈ રહેલો અત્યાચાર યોગ્ય છે.
 
શ્રીલંકાની લોકકથામાં એક દૃષ્ટાંત મળે છે. એક બૌદ્ધ રાજા હતો. પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરવા તેણે અનેક યુદ્ધો કર્યાં. અંતે તે યુદ્ધની ભયાનકતા જોઈને પસ્તાયો. પોતાના હાથે થયેલી કત્લેઆમથી તેને થયું કે આ મારાથી શું થઈ ગયું! તે પણ બૌદ્ધ હોવા છતાં. રાજાની આ સ્થિતિ જોઈને બૌદ્ધ ધર્મના આચાર્યોએ તેને સમજાવ્યો કે પૂરા યુદ્ધમાં માત્ર બે જ વ્યક્તિ માર્યા ગયા છે, કારણ કે તે બે જ વ્યક્તિ બૌદ્ધ ધર્મના શરણમાં આવ્યા હતા. બાકી જે મર્યા તેમની ચિંતા તમારે કરવાની નથી. આવાં ઉદાહરણ સંસારના બધા જ ધર્મોમાં મળે છે. દરેક ધર્મ પવિત્ર અને અપવિત્ર હિંસા વચ્ચે અંતર કરે છે. સંસારનો દરેક ધર્મ વધ અને હત્યા  વચ્ચે અંતર કરે છે. હત્યા અસ્વીકાર્ય છે. વધ ન માત્ર સ્વીકાર્ય છે બલકે અનેક સ્થિતિમાં તે અમલકાર્ય છે. ગોડસેના નિવેદનનો અર્થ સમજીએ તો ખ્યાલ આવે. ગોડસે હિંદી કે મરાઠી બોલતો ત્યારે તે હત્યાનો નહીં પણ વધ શબ્દનો પ્રયોગ કરતો. ગોપાલ ગોડસેના પુસ્તકનું શીર્ષક છે : ગાંધી વધ આણિ મી. વધ નૈતિક રીતે સ્વીકૃત છે. માન્ય છે. પ્રાણહારક પ્રવૃત્તિ છે, જે અનેક વખત આવશ્યક બની જાય છે. અહિંસા ત્યાં સુધી જ યોગ્ય છે જ્યાં સુધી તે આપણાં વિચાર, માન્યતા અને આસ્થાને અનુકૂળ હોય. અહિંસા કસોટી નથી, બલકે અહિંસા પ્રક્રિયા છે, જેને સતત આપણે આસ્થાની કસોટી પર કસવાની છે.
 
ચાર વર્ષ અગાઉ સમાજશાસ્ત્રી બેરિંગ્ટન મૂરેએ એક અધ્યયન કર્યું હતું : મૉરલ પ્યુરિટી ઍન્ડ પર્સિક્યૂશન ઇન હિસ્ટ્રી (ઇતિહાસમાં નૈતિક શુદ્ધતા અને ઉત્પીડન). આ અધ્યયનમાં બેરિંગ્ટન મૂર એકેશ્વરવાદી ધર્મો વિશે એક નિષ્કર્ષ પર પહોંચ્યા હતા. તેઓએ પૂર્વના ધર્મો સાથે એકેશ્વરવાદી ધર્મોની સરખામણી કરી છે. આ અંગે તેઓ કહે છે કે જેઓ પોતાના હિંદુ હોવા અંગે આક્રમક રીતે ગર્વનો વિષય બનાવે છે તેમણે આ વાત પર ખાસ ધ્યાન આપવું જોઈએ. બેરિંગ્ટન મૂર પોતાના પુસ્તકનાં તારણોમાં અંતે લખે છે : “નૈતિક શુદ્ધતાનો સિદ્ધાંત અને વ્યવહાર એકેશ્વરવાદી ધર્મો — યહૂદી, ઈસાઈ અને ઇસ્લામ સુધી જ સીમિત છે. પશ્ચિમના સંપર્કમાં આવતાં અગાઉ પૂર્વી સમાજમાં નૈતિક શુદ્ધતા પ્રેરિત ઉત્પીડન હતું, પરંતુ ઓછા પ્રમાણમાં. જોકે હવે વિશ્વાસ અને સામાજિક સંગઠનની પૂર્વીય વ્યવસ્થાના પતને નૈતિક શુદ્ધતાની ક્રૂરતાને જમીન તૈયાર કરી આપી છે. એ રીતે નૈતિક શુદ્ધતા પ્રેરિત ઉત્પીડનની શક્યતા સૌથી વધુ છે. હિંદુ ધર્મમાં પણ ક્રૂરતામાં અન્યોને પાછળ રાખવાની હોડ શરૂ થઈ ચૂકી છે. પૂર્વ-પશ્ચિમ ક્યારેય મળી નહીં શકે તે બનાવટી ભવિષ્યવાણી વીસમી સદીમાં જ સાચી પડી ચૂકી છે. ઇતિહાસની ક્રૂર હિંસા અને ભયાવહ પીડાને સંભવ કરવા અર્થે.”
 
બેરિંગ્ટન મૂર જાતે જ એકેશ્વરવાદી પરંપરાના છે. આ કારણે તેમનો આક્રોશ સમજી શકાય. એકેશ્વરવાદી પરંપરાથી બહાર રહેલા લોકોએ જોકે આ આક્રોશથી પોતાના સારા હોવાપણા અંગે પ્રમાણપત્ર શોધવાની જરૂર નથી. બલકે વિવેક અને આક્રોશ સાથે બેરિંગ્ટન મૂરની જેમ પોતાના દેશની પરંપરા અંગે દૃષ્ટિ રાખવી જોઈએ.
 
એક વાત સ્પષ્ટ છે કે પવિત્ર હિંસા અને અપવિત્ર હિંસાના વિભાજનને લઈને સંસારના તમામ ધર્મોમાં સાચો સર્વધર્મસમભાવ જોઈ શકાય છે. તમામ ધર્મ પવિત્ર અને અપવિત્ર હિંસામાં ભેદ કરે છે. માત્ર ધર્મ જ નહીં, બલકે ધર્મનિરપેક્ષ વિચારમાં પણ. પવિત્ર હિંસા એ કાંઈ ધર્મોની બાપીકી જાગીર નથી. અલ્જેરિયાના સ્વતંત્રતા-સંગ્રામ દરમિયાન ફ્રાન્ઝ ફેનને પોતાના પુસ્તક રેચેડ ઑફ ધ અર્થમાં સૌથી અગત્યના સિદ્ધાંતની સ્થાપના કરી હતી કે, “જુલ્મીઓની હિંસા ખોવાયેલી માનવતાને ફરી મેળવવાની પ્રક્રિયા છે.” તે આવશ્યક છે અને પવિત્ર પણ છે. ફેનન એ રીતે મૌલિક રજૂઆત કરી રહ્યા હતા. એક અર્થમાં તેઓએ સમસ્ત ડાબેરી પરંપરાને એ નૈતિક તારણ પર પહોંચાડી, જ્યાં સમાજના વર્ગોના રૂપાંતરણ માટે થતી હિંસા ટાળી ન શકાય. આ મૂળભૂત માન્યતા છે, આ માન્યતાને ફેનને ચાર્જ્ડ ઍટમોસ્ફિયરમાં એક નવા નૈતિક ચાર્જ સાથે ભેળવી.
 
ફેનન કે માક્‌ર્સ કે અન્ય કોઈ, વ્યક્તિગત રીતે ક્રૂર નહોતા. હિંસક કે હત્યારા નહોતા. તેઓ તો સજ્જન હતા. માનવીય વલણ ધરાવતા હતા. અને તે માટે જ હિંસાની સમસ્યાનો વધુ ઊંડાણપૂર્વક અભ્યાસ થવો જોઈએ. એ વાત યાદ રાખવી જોઈએ કે આપણે જેને ચિંતાજનક હિંસા માનીએ છીએ, તેથી અનેકગણી ચિંતાજનક હિંસા તે છે જે આપણે ખૂબ સ્વાભાવિક અને પવિત્ર હિંસા માની બેઠા છીએ. સમગ્ર માનવઇતિહાસમાં થયેલી હિંસા–હત્યા, વધ, બળાત્કાર, લૂંટને આલેખિત કરવામાં આવે તો વ્યક્તિગત ઉન્માદના કારણે થયેલી હિંસા કરતાં પવિત્ર ઉદ્દેશ માટે થયેલી હિંસા અનેકગણી વધુ છે. કોઈ રાજ્યમાં છ-સાત લોકોની હત્યા થાય તો પોલીસ અને ગૃહમંત્રી પર જાણે પ્રશ્નો વરસી પડે છે, પણ કોઈ એક શહેરમાં ત્રણ દિવસમાં જ ૨૭૦૦ લોકોને મારી નાખવામાં આવે ત્યારે તેઓ ‘ખોટા ધર્મ’ સાથે સંબંધ ધરાવે છે, એ રીતે કાયદો-વ્યવસ્થા માટે તે નૈતિક ચિંતાનો વિષય બનતો નથી.
 
હિંસા વિચાર માગી લે તેવો વિષય છે. સંગઠિત અને ઉદ્દેશ સાથે થયેલી હિંસાની પ્રતીકાત્મક શક્તિ હોય છે. અમારા એક મિત્ર રમૂજી બનાવ કહેતા. એક મૅજિસ્ટ્રેટની સમક્ષ હવાલદાર ચોરને રજૂ કરે છે. હવાલદાર કહે છે કે : “મેં આને પકડ્યો છે.” ચોર ચબરાક અને સ્ફૂર્તિલો હતો અને હવાલદાર મોટી ફાંદ ધરાવતો હતો. મૅજિસ્ટ્રેટ આ વાત સાંભળી હસી પડ્યા અને તેમણે કહ્યું : “ચોરને તમે પકડ્યો છે. એ જો દોડે તો એ ક્યાંનો ક્યાં પહોંચશે અને તમારા માટે એક ડગ માંડવો સુધ્ધાં મુશ્કેલ થઈ જશે. તમે તેને કેવી રીતે પકડ્યો?” હવાલદારે ત્યારે કહ્યું : “સાહેબ, હુકૂમત દોડતી નથી, બલકે સ્વીકૃતિથી ચાલે છે. મેં એક વાર તેને કહ્યું કે ખબરદાર… ઊભો રહેજે, દોડતો નહીં. આ સાંભળ્યા પછી તે એક ડગ માંડવાની પણ હિંમત ન કરી શકે.” સંગઠિત અને ઉદ્દેશ સાથે થયેલી હિંસા સ્વીકૃતિનો મુદ્દો છે. હિંસાની સૂચક શક્તિ અગત્યની છે. ગાંધીજીની મજબૂતીની વાત કરીએ ત્યારે એક સરળ વાત આપણી સમક્ષ આવે છે. ગાંધીજીની લાખો નિષ્ફળતાઓની ચર્ચા થઈ શકે. તેમનાં અનેક કાર્યો વિવાદાસ્પદ રહ્યાં છે. લાંબા જાહેર જીવનમાં વિવાદો થવા સ્વાભાવિક છે. પરંતુ એક બાબત અંગે કટ્ટર વિરોધી પણ ગાંધીજીનો ઇનકાર નહીં કરી શકે કે તેઓ સામ્રાજ્યની શક્તિ દ્વારા થતી હિંસાની સ્વીકૃતિનો અંત લાવ્યા હતા. તેમણે હિંસાની એ તાકાતને તોડી નાખી.
 
સંગઠિત અને સામૂહિક હિંસાની સ્વીકૃતિ બને છે અને તે પાવરનું રૂપ લે છે કારણ કે અંતે હિંસા મનુષ્યના મનને અન્ય દિશામાં વાળવાની સૌથી કારગર અને આત્મસાત્ કરનારી અભિવ્યક્તિ છે. પોતાની જાતથી અલગ થયા વિના, માનવતાથી દૂર થયા વિના તમે હિંસા તો કરી જ શકો છો, સાથે તેને યોગ્ય ઠરાવી શકો છો. અને તે માટે તમે મજબૂર છો તેમ પણ કહી શકશો.
 
આ મજબૂરીને સમજવી આવશ્યક છે. હિંસા આત્મરત વ્યક્તિની સૌથી કરુણ અભિવ્યક્તિ છે. એ માટે ઊંડાણપૂર્વક વિચાર થવો જોઈએ કે હિંસા શું છે અને ક્યાં છે? સ્વાભાવિક છે કે અહીંયાં એ પણ પ્રશ્ન થાય કે અહિંસા શું છે? ઘણાં લોકો તો એ રીતે વાત કરે છે કે જાણે ગાંધીજી એટલા ભોળા હોય કે આ વાત પણ ન જાણતા હોય કે जीवै जीव अहारा. અહિંસા કેવી રીતે સંભવી શકે, તેવું કેટલાંક પૂછે છે? શાકાહારીઓનો દાવો છે કે અમે અહિંસક છીએ, પરંતુ જીવ વનસ્પતિમાં પણ હોય છે. તો શું આહાર લેવો હિંસા છે? બેસવું અને ઊઠવું સુધ્ધાં હિંસા છે. બધી જ જગ્યાએ હિંસા છે, તો અહિંસાની વાત કેવી રીતે થઈ શકે. કેટલાંક વળી અહિંસાને જ આક્રમકતામાં ઢાળી દે છે. પશુપ્રેમ અને શાકાહારની વાત એટલી ભયાવહ બને છે કે મારા જેવા શાકાહારીને તેનાથી પ્રશ્નો થવા માંડે છે. એ રીતે કેટલાંક ગાંધીજીને અન્યોની નૈતિક ન્યૂનતા દર્શાવવાના દર્પણ તરીકે જ જુએ છે. ખરેખર ગાંધીજીને સંભાવનાઓમાં નિહાળવા જોઈએ. અન્યોની નૈતિક ન્યૂનતા દર્શાવવા, આત્મવિશ્વાસવિહીન બીમારીના દરદી બનાવવા ગાંધીજીને કામમાં લેવામાં આવે છે. અરે, તમે કેવી રીતે ગાંધીજીની વાત કરો છો… તમે તો સિગારેટ પીઓ છો. તમે તો મિલનાં કપડાં પહેરો છો. તમે આમ કરો છો તમે તેમ. અરે, તમે તો ડાબેરી છો.
 
આ સ્થિતિ અંગે ગાંધીજીએ જ ઊંડાણથી વિચાર કર્યો હશે. વારંવાર તેમણે બે વાતોને સ્પષ્ટ કરી છે. એક કે અહિંસા એ કાયરતાનો પર્યાય નથી. કાયરતાની મૂળ પ્રેરણા હિંસા છે. આક્રમકતા કોઈ પણ ભોગે પોતાને બચાવી રાખવાની ભાવનાથી જન્મે છે. આ જ ભાવનાથી કાયરતા જન્મે છે. તમે અન્યને ધ્વસ્ત કરીને પોતાને બચાવી શકતા નથી તો ભાગીને પોતાને બચાવી લો છો. હિંસા એ કાયરતાની સહધર્મી છે. હિંસા અને કાયરતા પરસ્પર વિરોધી નથી. હિંસા અને કાયરતા એકબીજાની પૂરક છે. ગાંધીજી આ જાણતા હતા કે અહિંસા અને કાયરતા પર્યાયવાચી નથી બલકે બંને પરસ્પરવિરોધી નૈતિક મનોદશાઓ છે.
 
જીવનમાં સમાવિષ્ટ હિંસાના સંદર્ભે અને અહિંસાના વિચારોને સ્પષ્ટ કરે તેવી વાત ગાંધીજીએ લખી છે : “અહિંસા વ્યાપક વસ્તુ છે. હિંસાની હોળીની વચ્ચે સપડાયેલાં આપણે પામર પ્રાણી છીએ. ‘જીવ જીવની ઉપર જીવે છે,’ એ ખોટું વાક્ય નથી. મનુષ્ય એક ક્ષણ પણ બાહ્ય હિંસા વિના નથી જીવી શકતો. ખાતાંપીતાં, બેસતાંઊઠતાં, બધી ક્રિયાઓમાં, ઇચ્છા-અનિચ્છાએ કંઈક હિંસા તે કર્યા જ કરે છે. તે હિંસામાંથી નીકળવાનો તેનો મહાપ્રયાસ હોય, તેની ભાવનામાં કેવળ અનુકંપા હોય, તે સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુનો પણ નાશ ન ઇચ્છે અને યથાશક્તિ તેને બચાવવાનો પ્રયાસ કરે, તો તે અહિંસાનો પૂજારી છે. તેની પ્રવૃત્તિમાં નિરંતર સંયમની વૃદ્ધિ હશે, તેનામાં નિરંતર કરુણા વધતી હશે. પણ કોઈ દેહધારી બાહ્ય હિંસાથી સર્વથા મુક્ત નહીં થઈ શકે.”
 
મને આશ્ચર્ય થાય છે કે કેવી રીતે ગાંધીજીને કોઈ હવાઈ આદર્શવાદી કહી શકે? મનુષ્યના સ્વભાવમાં સૌથી વધુ વાસ્તવિક ચિત્ર વધુ શું હોઈ શકે. તેની સાથે સ્વાભાવિકતાનો એક અંશ એ છે કે મનુષ્ય જે છે તેની આગળ કશું બનવા માગે છે. મનુષ્ય પ્રકૃતિમાત્ર નથી, સંસ્કૃતિ પણ છે. હિંસા એક પ્રાકૃતિક તથ્ય છે. પરંતુ અહિંસાનું એક સાંસ્કૃતિક મૂલ્ય હોવું જોઈએ. આક્રમકતા આપણા સૌમાં છે, પરંતુ આપણામાં કરુણા પણ છે અને કરુણા વિચિત્ર સ્વરૂપે પ્રગટ થાય છે. આપણે આસપાસની હિંસા જોઈએ છીએ, પણ કરુણા નહીં. તમે માર્ગ પરથી ગાડીમાં જઈ રહ્યા છો અને બાજુમાંથી એક મોટરબાઇક નીકળે છે. તે મોટરબાઇક પર એક મહિલા બેઠી છે. તેની સાડી મોટરબાઇકમાં ક્યાંક ફસાઈ રહી છે. તમે તેને કહો છો, પ્રયાસ કરીને કહો છો : જુઓ તમારી સાડી ફસાઈ રહી છે, અકસ્માત થશે. તેની સાથે તમારો શો સંબંધ છે? તે તમારી પત્ની નથી, માતા નથી, તે તમારી સાથે કોઈ સંબંધ ધરાવતી નથી. તેમ છતાં તમને તેની ચિંતા છે. એ બિલકુલ ખોટી વાત છે કે આક્રમકતા મનુષ્યની મૂળવૃત્તિ છે. કરુણા અને સંવેદનશીલતા પણ મનુષ્યની મૂળભૂત વૃત્તિઓ છે. ગાંધીજીની અહિંસા પારંપરિક ધાર્મિક અહિંસાથી અલગ એ અર્થમાં છે કે તે ધાર્મિક આદર્શ કે ધાર્મિક મૂલ્યની અનુયાયી નથી, બલકે તે ધર્મ-આચરણની કસોટી પર સ્વયં સ્થિત છે. …
 
[વધુ આવતા અંકે]
 
[अंतिमजन સામયિકમાંથી]
અનુવાદ : કિરણ કાપુરે
 
नवजीवनનો અક્ષરદેહ — મે ૨૦૨૧ (વર્ષ ૯, અંક ૫)માંથી